Aapnucity News

આજે કચ્છમાં કરોડોના માદક પદાર્થના જથ્થાનો નાશ કરાશે

ભુજ, તા. 23 : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં 24મી જુલાઇ ગુરુવારના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાશે. કરોડો રૂપિયાના મુદ્દામાલનો નાશ કરી ગુજરાત સરકારની ડ્રગ્સ સામેના જંગની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરાશે. પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થોનો આ કામગીરીમાં નાશ કરવામાં આવશે. કોર્ટમાંથી મુદ્દામાલના નાશ માટે મંજૂરી મેળવ્યા બાદ રાજ્ય કક્ષાની ઉચ્ચસ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાથ ધરાનારી આ વિશેષ કાર્યવાહીમાં પૂર્વ કચ્છના 11, પશ્ચિમ કચ્છના 16 અને મોરબી જિલ્લાનો એક મળી કુલ 28 કેસનો મુદ્દામાલ નાશ કરવામાં આવશે. આ કામગીરી અંતર્ગત ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ 82.616 કિલોગ્રામ કોકેઇન જેની અંદાજિત કિંમત 826 કરોડ 16 લાખ છે, તે ઉપરાંત માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ 105.428 કિલોગ્રામ ચરસ જેની અંદાજિત કિંમત 44 કરોડ 57 લાખ 50 હજાર છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 8986.2 લિટર કોડીનયુક્ત સિરપની 89862 બોટલ જેની અંદાજિત કિંમત રૂા. 1 કરોડ 84 લાખ 64 હજાર 843 છે, તેનો નાશ કરવાની સાથે પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા અન્ય 25 કેસમાં જપ્ત કરાયેલા ગાંજો, કોકેઇન, ચરસ, મેફેડ્રોન, પોષડોડા વગેરે સહિત પશ્ચિમ કચ્છનો 129.368 કિલોગ્રામ અને પૂર્વ કચ્છ ગાંધીધામનો 74.213 કિલોગ્રામ માદક પદાર્થ નાશ કરાશે. ત્રણેય પોલીસ જિલ્લાનો મળીને કુલ 391.625 કિલોગ્રામ અને 8986.2 લિટર માદક પદાર્થનો નાશ કરવામાં આવશે. આ કાર્યવાહી રાજ્ય કક્ષાની ઉચ્ચસ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને કમિટીના સભ્યોની હાજરીમાં તેમજ ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષની હાજરીમાં સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. ખાતે કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ (ભઠ્ઠી)માં વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે.

શેર કરો –

Download Our App:

Get it on Google Play