Aapnucity News

આણંદમાં ગણેશોત્સવ માટે નવો નિયમ:9 ફૂટથી વધુ ઊંચી અને POP કે કેમિકલયુક્ત રંગોની મૂર્તિઓ પર પ્રતિબંધ

આણંદ જિલ્લામાં આગામી ગણેશ મહોત્સવને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, જિલ્લામાં 9 ફૂટથી વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિઓ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામામાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને કેમિકલયુક્ત રંગોથી બનેલી મૂર્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય પર્યાવરણના રક્ષણ માટે લેવામાં આવ્યો છે. કારણ કે આવી મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કરવાથી જળચર જીવો નાશ પામે છે અને કેમિકલયુક્ત પાણી પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. આ જાહેરનામું 5 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. મૂર્તિઓ બનાવવા માટે કુદરતી વસ્તુઓ અને પરંપરાગત ચીકણી માટીનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિન-ઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવાનો રહેશે. મૂર્તિઓની બનાવટમાં ઘાસ, લાકડા અને બાંબુનો ઉપયોગ કરી શકાશે. મૂર્તિકારોએ મૂર્તિઓ બનાવતી વખતે આસપાસ ગંદકી ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે. વેચાણ બાદ વધેલી ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડવા પર પણ પ્રતિબંધ છે.

Download Our App:

Get it on Google Play