Aapnucity News

કચ્છના સાચા મિત્ર તરીકેની ફરજ અદા કરતું રહેશે

કચ્છી પ્રજાની સમસ્યા, તેના અરમાનો અને તેની સુખાકારીને હરહંમેશ વાચા આપતા કચ્છમિત્રને 79મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે મીઠા આવકાર સહ અશેષ અભિનંદન પાઠવું છું. કચ્છમિત્ર સાથે કચ્છી માડુની સવાર પડે છે અને એક સાચા મિત્રની ફરજ અદા કરે છે. રોજેરોજની વૈવિધ્યસભર પૂર્તિઓ હોય કે બાળદોસ્તો માટેનું વિશેષ સાપ્તાહિક `કચ્છમિત્ર જુનિયર’ હોય, કચ્છમિત્ર નિત્ય નવીન વાંચન પૂરું પાડવામાં સફળ રહ્યું છે, તેણે સમય-સમય પર જરૂરિયાત મુજબ નવોન્મેષને આવકાર્યા છે. કચ્છી લોકોના દરેક સારા-માઠા બનાવોમાં ઢાલ સરીખા મિત્ર તરીકે સાથે ઊભું રહ્યું છે. 1947થી આરંભાયેલી અખબારી યાત્રાએ 78 વર્ષ દરમિયાન અનેક પડકારો ઝીલ્યા છે અને સુવાંગ રીતે અવ્વલ સ્થાનને જાળવી શક્યું છે, તેનો આનંદ છે. ર0 જુલાઈનો દિવસ એ કચ્છમિત્રનો જ નહીં, સમસ્ત કચ્છી પ્રજાનો ઓચ્છવ બની રહ્યો છે. આ માટે આપ સૌ સર્વે વાચકોનું ઋણ માથે ચડાવીએ છીએ. વાચકો, અખબારી પ્રતિનિધિઓ, વિજ્ઞાપન દાતાઓ અને સમગ્ર કચ્છની પ્રજાએ પોતીકું અખબાર ગણ્યું છે અને હંમેશાં વધામણાં કર્યાં છે. કચ્છીઓની ભાવનાઓને ઉજાગર કરતા કચ્છમિત્રએ લોકોના ઉમંગ, આકાંક્ષા અને અવસાદને યોગ્ય માવજતથી સ્થાન આપ્યું છે અને આગળ પણ આપતું જ રહેશે.મારા પિતા દામજીભાઈએ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને પછી ચેરમેન તરીકે વર્ષો સુધી કાર્યભાર સંભાળ્યો અને કચ્છને પાણી અપાવી વોટરમેન ઓફ કચ્છ તરીકે સ્થાન મેળવ્યું હતું. તે પરંપરાને આગળ વધારી કચ્છની પાણી ક્ષેત્રની આત્મનિર્ભરતા માટે કચ્છમિત્રના પ્રયાસો અવિરત રહેશે. કચ્છમિત્ર સત્યનિષ્ઠા સાથે પોતાનો અખબારી ધર્મ બખૂબી નિભાવશે એવી ખાતરી છે. ફરી સ્નેહાભિનંદન…

Download Our App:

Get it on Google Play