Aapnucity News

ગાંધીધામ અગ્રવાલ સમાજ અન્ય પ્રાંતનાં મંડળો માટે બન્યું પ્રેરણારૂપ

ગાંધીધામ, તા. 23 : ગાંધીધામ અગ્રવાલ સમાજ, યુવા સંઘ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શપથ અને તીજ મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સમાજના મોભી હરીઓમજી મિત્તલે પ્રમુખ સમીર ગર્ગ, મંત્રી સંજય ગર્ગ અને કારોબારી સભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા તેમને પરાંપગત પાઘડી અને પીન પહેરાવી હતી. પ્રમુખ સમીરભાઈ ગર્ગે પ્રાસંગિક ઉદ્બોધનમાં ગાંધીધામ અગ્રવાલ સમાજના કાર્યક્રમોને મળતી અપાર સફળતાના કારણે ગુજરાતભરમાં સમાજનો ડંકો વાગ્યો છે. અન્ય પ્રાંતના સમાજો ગાંધીધામ અગ્રવાલ સમાજનાં આયોજનોનું દૃષ્ટાંત પૂરું પાડે છે, જે ગાંધીધામ સમાજ માટે ગૌરવની બાબત છે. સમાજના આગામી આયોજનોમાં પણ સહપરિવાર ઉપસ્થિત રહી સંગઠનને સુદૃઢ કરવા સાથે સમાજના દરેક કાર્યક્રમોને સફળ બનાવવા તેમણે ઉપસ્થિતોને અપીલ કરી હતી. ગાંધીધામ અગ્રવાલ સમાજ મહિલા મંડળના પૂર્વ પ્રમુખ પાયલબેન બિંદલે નવનિર્વાચિત પ્રમુખ કિરણ ગોયલ અને મંત્રી રેખા ગોયલ તથા તેમની ટીમને પદના શપથ લેવડાવ્યા હતા. પ્રમુખ કિરણબેન ગોયલે અગ્રવાલ સમાજ દ્વારા મહિલા સશક્તિકરણ માટે થતાં કાર્યોની વિસ્તૃત છણાવટ કરી મહિલા મંડળ દ્વારા અગાઉથી થઈ રહેલાં કાર્યોને આગળ વધારવાની નેમ વ્યક્ત કરી હતી. યુવા સંઘના પૂર્વ પ્રમુખ રાહુલ ગોયલે નવનિર્વાચિત પ્રમુખ દેવેન્દ્ર ગોયલ, મંત્રી માનવ ગોયલ અને તેમની ટીમને પદના શપથ લેવડાવ્યા હતા. યુવા પ્રમુખે સમાજની યુવા પાંખ દ્વારા થઈ રહેલાં કાર્યોને આગળ ધપાવવા સાથે પાયલ બિંદલ અને રાહુલ ગોયલે નવી ટીમની સાથે સંકલનમાં રહી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત તાજેતરમાં અગ્રવાલ વિકાસ પરિષદ ગુજરાતમાં ગાંધીધામ સમાજના લોકોને બહોળું અને ઉચ્ચ પ્રતિનિધિત્વ મળ્યું હોવાથી નવી કાર્યકારણી ટીમ દ્વારા સન્માન કરાયું હતું. આ તકે અગ્રવાલ વિકાસ પરિષદ ગુજરાતના ઉપપ્રમુખ દેવકીનંદન બંસલે સન્માન બદલ ગાંધીધામ અગ્રવાલ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. તીજ ઉત્સવ નિમિત્તે ડાન્સ, હાઉઝી, મહેંદી સહિત વિવિધ સ્પર્ધાઓ અને રમતગમતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ સમારોહને અવિસ્મરણીય બનાવ્યો હતો. સંચાલન શિલ્પા બજાજે કર્યું હતું તેવું ગાંધીધામ અગ્રવાલ સમાજના મીડિયા ઈન્ચાર્જ અશોકભાઈ મિત્તલની યાદીમાં જણાવાયું હતું.

શેર કરો –

Download Our App:

Get it on Google Play