સાબરકાંઠા જિલ્લામાં પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો અને માલધારીઓ સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલો ભાવફેર ઓછો હોવાની ફરિયાદ કરીને વિરોધ કરી રહ્યા છે. તેમનામાંથી કેટલાકની સામે તો કથિત રીતે હિંસા આચરવા બદલ ફોજદારી કેસ પણ નોંધાયો છે.
આખરે ખેડૂતોના ભારે વિરોધ બાદ સાબર ડેરીએ ભાવફેર વધારીને પ્રતિ કિલો ફૅટે 995 ચૂકવવાનું નક્કી કર્યું છે.
ખેડૂત નેતાઓ અને રાજકીય આગેવાનો ડેરી ક્ષેત્રમાં ‘અમૂલ’ એક ઉદાહરણરૂપ મૉડલ હોવાનું કહે છે. દૂધ ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે પુરવઠાની સીધી સાંકળ રચીને વચેટિયાઓની નાબૂદી એ અમૂલના પાયાનો સિદ્ધાંત છે. આ ઉપરાંત પ્રૉફેશનલ મૅનેજમેન્ટ, શુદ્ધતાની ખાતરી અને મૅનેજમેન્ટ કૉસ્ટને નિયંત્રણમાં રાખવાની નીતિને કારણે 80 વર્ષથી અમૂલ મૉડલ સફળતાપૂર્વક ચાલી રહ્યું હોવાનું કહેવાય છે.
હવે, મૅનેજમેન્ટ કૉસ્ટ એટલે ડેરી દ્વારા દૂધ ઉત્પાદક ખેડૂતો કે પશુપાલકો પાસેથી દૂધ ખરીદીને તે દૂધ કે તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવીને ગ્રાહકો સુધી વેચવા માટે થતો ખર્ચ.
અમૂલની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર તેની સાથે છત્રીસ લાખ કરતાં પણ વધારે દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. અમૂલ પાસે દૈનિક ધોરણે પાંચ કરોડ લીટર દૂધ હૅન્ડલ કરવાની ક્ષમતા છે. વર્ષ 2023-24માં અમૂલે 595 અબજ રૂપિયા કરતાં પણ વધારે મૂલ્યની વસ્તુઓનું વેચાણ કર્યું હતું.