Aapnucity News

નખત્રાણા તા. પંચાયતની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા

નખત્રાણા, તા. 23 : અહીંની તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં મોટી વિરાણી જૂથ ગ્રામ પંચાયત તથા જૂથના સુખપર, નાની વિરાણી (વાંઢ)ને નખત્રાણા નગરપાલિકામાં સમાવેશ કરવાની દરખાસ્ત કરાઇ હતી. તા.પં.ના પ્રમુખ ભાવનાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વાર્ષિક બજેટના હિસાબોની નકલ તા.પં.ના સદસ્યોને સામાન્ય સભાના એજન્ડા સાથે મળવા સહિતના મુદ્દે પક્ષ-વિપક્ષના સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. નખત્રાણાથી ભુજ તરફ જતા ધોરીમાર્ગમાં વરસાદથી સર્જાયેલા નાના-મોટા ખાડા તથા જર્જરિત બનેલા રસ્તાને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મરંમત કરવા અથવા ટોલ ટેકક્સ નાકા બંધ કરવા તા.પં.ના પક્ષ તથા વિપક્ષના સભ્યો એકમત થયા હતા. નખત્રાણાના વથાણ ચોકથી વિરાણી રોડ તરફ જતા વરસાદી પાણીના વહેણના નાલા ઉપર દબાણથી વરસાદી પાણી ભરાવાથી લોકોને પડતી મુશ્કેલી નિવારવા નગરપાલિકા, માર્ગ તંત્રના અધિકારીઓને વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવા તાકીદ કરાઇ હતી. વિસ્તરણ અધિકારી વર્ષાબેન જાનીએ સ્વાગત બાદ સભાની કાર્યવાહીની રૂપરેખા વર્ણવી હતી તથા 2024-25ના હિસાબી વર્ષનો રિપોર્ટ રજૂ કર્યો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. વિપક્ષી નેતા કેતનભાઇ પાંચાણીએ હિસાબોની નકલ સભ્યોને સામાન્ય સભાના આરંભ પૂર્વે એજન્ડા સાથે મળવા માટે રજૂઆત કરી હતી. વિરાણી ગ્રામ પંચાયત દ્વારા અગાઉ મળેલી સામાન્ય સભા તથા ગ્રામ પંચાયત કારોબારીની મળેલી સામાન્ય સભામાં વિરાણી જૂથ ગ્રા.પં.ને નખત્રાણા નગરપાલિકામાં સમાવેશ કરવાનો ઠરાવ મુજબનો અહેવાલ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા રજૂ કરાયેલા પત્રનું વાંચન કરાયું હતું. આ અંગે સર્વસંમતિના અભાવે મતદાન કરાયું હતું. જેમાં સત્ત પક્ષના 12 સદસ્યે સમર્થન તથા વિપક્ષના પાંચ સદસ્યે વિરોધ કર્યો હતો. બાદમાં સંમતિ સંધાતા બહુમતીથી ઠરાવ બહાલી અપાઇ હતી. તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઇ ઠક્કર, તા.પં. ઉપપ્રમુખ દક્ષાબેન બારૂ, તા.પં. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી, કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા, નાયબ તા. વિકાસ અધિકારી વસંતભાઇ ચંદે, પૂર્વ તા.પં. પ્રમુખ જયસુખભાઇ પટેલ, મહેન્દ્રસિંહ સોઢા, દિનેશભાઇ નાથાણી (દંડક), હોતખાન મુતવા, ઓસમાણ સુમરા, સ્વાતિબેન ગોસ્વામી, હરિભાઇ ચારણ, ગોરધનભાઇ રૂડાણી, નવીનભાઇ કુંવટ, મંજુલાબેન લતા, વિપક્ષી નેતા કેતનકુમાર પાચાણી ઉપસ્થિત રહ્યા હતા. રમેશભાઇ ગરવા, દિશાબેન આચાર્યે વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન તથા આભારવિધિ વર્ષાબેને કરી હતી.

શેર કરો –

Download Our App:

Get it on Google Play