Aapnucity News

નડિયાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ૯૦૦ આવાસોનું ખાતમુહૂર્ત સહિત અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતના મુખ્યમંત્રી 25 જુલાઈના રોજ નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ખાતમૂર્હત અને લોકાર્પણના વિવિધ વિકાસ કાર્યોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સઘન આયોજન અને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં સ્વચ્છતા, વ્યવસ્થાપન અને રખડતા ઢોર નિયંત્રણ સહિતના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નડિયાદ મહાનગર પાલિકાના કમિશ્નરના અધ્યક્ષસ્થાને મંગળવારે સવારે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી 25 જુલાઈએ યોજાનાર મુખ્યમંત્રીના નડિયાદ કાર્યક્રમના આયોજન અને સમીક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના દિવસે શહેરમાં કોઈપણ રસ્તા ઉપર કોઈ ગાય કે પશુ ન આવે તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. આ હેતુસર મુખ્ય રસ્તાઓ પર ટીમો તૈનાત કરવા અને સંપૂર્ણ તકેદારી રાખવા જણાવ્યું હતું. અઘટિત ઘટના ન બને તે માટે સંબંધિત વિભાગના સ્ટાફ સાથે અગાઉથી મીટીંગ કરી લેવા અને હાઉસીંગ બોર્ડના કાર્યક્રમના સ્થળની આસપાસના પશુપાલકોને પણ સાવચેત કરવા જણાવ્યું હતું. રસ્તા પર રખડતા પશુઓને પકડીને મહાનગરપાલિકા દ્વારા નક્કી કરાયેલ સાઈટ પર પહોંચાડવાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી, જેથી તે પશુઓ ફરીથી રસ્તા પર ન આવે. મુખ્યમંત્રીનો કાર્યક્રમ સાંજના સમયનો હોવાથી, આગળના દિવસથી જ આ કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પરના ફાટેલા, તૂટેલા પોસ્ટરો અને બેનરો તાત્કાલિક ઉતરાવી લેવા સૂચના આપવામાં આવી હતી. શહેરના મુખ્ય સર્કલોની સફાઈ અને પેઇન્ટિંગ ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

Download Our App:

Get it on Google Play