પાનમ જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહેલો છે. પાનમ ડેમનું તા. ૨૮મી જુલાઈને સોમવારે સવારના ૬ કલાકે લેવલ ૪૧૨.૨૩ ફૂટ (૧૨૫.૬૫ મીટર) સુધી પહોંચ્યું છે. પાનમ જળાશયની પૂર્ણ સપાટી ૪૧૮ ફૂટ(૧૨૭.૪૧ મીટર) છે. જળાશયનો પાણીનો સંગ્રહ ૪૬૪.૩૩ એમસીએમ નોંધાયેલો છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૮૦ ટકા થયેલો છે. જેથી જળાશય ૮૦% ભરાયેલો છે. જેથી એમઆઈસી ફ્લડ સેલ નડિયાદ દ્વારા વોનગ સ્ટેજ જાહેર કરવામાં આવેલો છે. ત્યારે આણંદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ તાલુકાના ૮ જેટલા, આણંદના ૪, ઉમરેઠના બે અને આંકલાવના ૧૨ જેટલા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયા ખાડ, દહેવાણ, બાદલપુર,વાલવોડ, આણંદ તાલુકાના ખાનપુર, આંકલાવડી, રાજુપુરા તથા ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા, ખોરવાડ તેમજ આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ – ઉમેટા, સંખ્યાડ, કાનવાડી, અમરોલ, ભાણપુરા, આસરમા, નવાખલ, ભેટાસી વાંટો, ગંભીરા ગ્રામ્ય વિસ્તારોને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.
પાનમ જળાશયની સપાટી 80 ટકાએ પહોંચી : આણંદ જિલ્લામાં રેડ એલર્ટ
