પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળા (હિપેટાઈટીસ-એ) ના કેસ મળી આવતા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા ૦૯ જેટલી આરોગ્યની ટીમો બનાવીને રોગચાળા અંતર્ગત ચાંગા ગામ ખાતે વ્હોરવાડ, માતરીયું ફળિયું, જનતા કોલોની, તાડ ફળિયું વિગેરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
ડોક્ટર પિયુષ પટેલે ચાંગા પ્રાથમિક આરોગ્ય કેંદ્રની આરોગ્યની ટીમોને રોગચાળા અટકાયતી અંગે તેમજ પીવાના પાણીની પાઈપલાઈન લીંકેજ તાત્કલિક રીપેર કરવા ગ્રામ પંચાયતને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંગા ગામમાં વ્હોરવાડ, માતરીયુ ફળિયું, જનતા કોલોની ખાતે ૧૨૨૮ જેટલા લોકો અસરગ્રસ્ત થયા હતા.જેની ક્રમશઃ સારવાર કરીને મોટાભાગના અસરગ્રસ્તોને સારવાર આપવામાં આવી છે, અને સ્વસ્થ બન્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૦૯ જેટલી આરોગ્ય ટીમ કાર્યરત થઈ છે, જેમાં ૦૩ જેટલા મેડિકલ ઓફિસર તથા ૨૪ જેટલા પેરા મેડિકલ સ્ટાફ ખડેપગે તૈનાત રહીને દર્દીઓની સેવા- સુશ્રુશા કરી હતી. ચાંગા ગામ ખાતે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યની ટીમ દ્વારા ૪૯૯૬ ક્લોરીન ટેબલેટનું અને ૮૭ જેટલા ORS પાવડરનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કુલ ૧૮ જેટલા પાણીના પાઈપ લાઈન લીંકેજ મળી આવ્યા છે, જે પૈકી ૧૫ જેટલા લીકેજ રીપેર કરવામાં આવ્યા છે. એપેડેમિક મેડિકલ ઓફીસર ડો.રાજેશ પટેલ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગુણવંત ઈસરવાડિયા એ ગામ ખાતે વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી હતી, અને ગામ લોકોને જણાવ્યું હતું કે કમળો (હિપેટાઈટીસ-એ) ના રોગચાળા દરમિયાન શું કરવું અને શું ન કરવું, તેમ જણાવી કમળાના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવા, શરીરને આરામ આપવો ખૂબ જરૂરી છે તેમ જણાવી વધારે પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળવા, પુષ્કળ પાણી પીવા જણાવ્યું હતું, જેથી શરીર ઝેરી તત્વો દૂર કરી શકે,પાચનક્રિયા પર ઓછો ભાર આવે તેવો ખોરાક લેવા, બાફેલા શાકભાજી, ફળો અને ખોરાક ગરમ અને તાજો ખોરાક ખાવો,બહારનો અને વાસી ખોરાક ખાવો નહિ. હાથ ધોવા, સ્વચ્છ પાણી પીવું અને સ્વચ્છ ખોરાક ખાવો.પાણી ઉકાળીને પીવું જેથી પાણીમાં રહેલા બેક્ટેરિયા મરી જાય.ઘરની આસપાસ ગંદકી ન થવા દો અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવો. તેમણે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારનો ઈલાજ ન કરો. તેલી અને મસાલેદાર ખોરાક પાચનક્રિયાને નબળી પાડી શકે છે, એટલે તે ટાળો. દારૂ અને ધૂમ્રપાન ન કરો, આ વસ્તુઓ લીવરને વધુ નુકસાન પહોંચાડી શકે છે.જાહેર સ્થળોએ ભીડમા ચેપ લાગવાની શક્યતા વધી શકે છે,ત્યાં જવાનું ટાળવા સમજ આપવામાં આવી હતી.
પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાના રોગચાળાને ડામવા આરોગ્ય વિભાગની ૦૯ ટીમ કાર્યરત
