લંડન, તા. 24 : ભારત અને બ્રિટનના સંબંધોના ઈતિહાસમાં સીમાચિહ્ન સમાન ઘટનાક્રમમાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટાર્મરની હાજરીમાં બંને દેશ વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર હેઠળ 99 ટકા ભારતીય સામાનોને બ્રિટિશ બજારમાં ટેરિફમુક્ત પ્રવેશ મળશે. આ મહત્ત્વપૂર્ણ કરાર માટે બે દેશ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી વાતચીત ચાલી રહી હતી. કરાર પર હસ્તાક્ષર બાદ કીર સ્ટાર્મર સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુક્ત વેપાર કરારને ઐતિહાસિક અને બન્ને દેશના લોકો માટે લાભકારી લેખાવ્યો હતો. આ માત્ર આર્થિક કરાર નથી, પરંતુ બન્ને રાષ્ટ્રની સહિયારી સમૃદ્ધિની યોજના છે. ભારતીય કપડાં, જૂતા, રત્ન, આભૂષણ, સમુદ્રી ખાતર તેમજ ઈજનેરી વસ્તુઓને બ્રિટની બજારમાં સ્થાન મળશે, તેવું મોદીએ કહ્યું હતું. આ સમજૂતી કરારથી ખાસ કરીને ભારતીય યુવાનો, માછીમારો, કિસાનો, એમએસએમઈ ક્ષેત્રને લાભ થશે. બીજી તરફ ભારતના લોકો અને ઉદ્યોગ જગત માટે ચિકિત્સા ઉપકરણો જેવા બ્રિટિશ ઉત્પાદનો સસ્તા ભાવે મળી શકશે. મોદીએ જણાવ્યું હતું કે, ભારતના દરેક વર્ગ માટે લાભકારી મુક્ત વેપાર કરારથી ઈંગ્લેન્ડની અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે. સાથોસાથ ભારતનું રોકાણ પણ વધશે, આ કરાર વૈશ્વિક સ્થિરતાને પણ તાકાત આપશે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું હતું કે, ભારત સાથે આ ઐતિહાસિક સમજૂતી કરારનો મતલબ બ્રિટનમાં રોજગાર, વિકાસ અને રોકાણ છે. આ કરારથી બ્રિટનમાં હજારો નોકરી પેદા થશે. કારોબારના નવા અવસરો પેદા થશે. આ અમારી કામ કરવાની નીતિમાં એક મોટો બદલાવ છે. ભારત માટે બ્રિટનમાંથી વ્હીસ્કી અને કારની આયાત સસ્તી થઈ જશે. પત્રકાર પરિષદને સંબોધતાં મોદીએ ભવ્ય સ્વાગત બદલ સ્ટાર્મરનો આભાર માન્યો હતો. આ કરારને ભારત-બ્રિટન વચ્ચે આર્થિક વિકાસ અને રોજગારના નવા અવસરોની ચાવી મનાય છે. મુક્ત વેપાર કરાર આઈટી, મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, આર્કિટેક્ચર, એન્જિનીયરિંગ જેવી વ્યાવસાયિક તેમજ શિક્ષણ સાથે જોડાયેલી સેવાઓને સીધો લાભ આપશે. ટેરિફમાં કાપનાં કારણે ભારતનાં કાપડ, જૂતા, ખાદ્ય ઉત્પાદનોની કિંમત સસ્તી બનશે. આ બન્ને દેશ વચ્ચે કારોબારને સરળ બનાવતો કરાર છે. ભારતીય કેબિનેટ તરફથી ઈંગ્લેન્ડ સાથે મુક્ત વેપાર કરારને મંજૂરી મળી ગઈ છે. આજે હસ્તાક્ષર થતાં બ્રિટિશ કેબિનેટ તરફથી પણ મંજૂરી મળી જશે. યુ.કે. યાત્રામાં વડાપ્રધાન મોદી સાથે પહોંચેલા ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલની પણ મુક્ત વેપાર કરાર અંગે ચર્ચામાં મહત્ત્વની ભૂમિકા રહી છે. મુક્ત વેપાર કરારનું લક્ષ્ય 2030નાં વર્ષ સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 120 અબજ ડોલર સુધી પહોંચાડવાનું છે. ઉલ્લેખનીય છે કે, શ્રમપ્રધાન એટલે કે, નાના શ્રમિકવર્ગ દ્વારા બનતાં કપડાં, ચામડું, જૂતા, ફર્નિચર, રત્ન, આભૂષણ, રમતની સામગ્રીને બ્રિટનની બજારમાં ડયૂટીમુક્ત પ્રવેશ મળશે. અત્યારે બ્રિટન આવાં ઉત્પાદનોની 23 અબજ ડોલરથી વધુ આયાત કરે છે. આ કરારનાં કારણે ભારતનાં ઉત્પાદન અને રોજગારમાં મોટો વધારો થઈ શકશે.
શેર કરો –