મુંદરા, તા. 23 : મુંદરા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર કતલખાના અને જીવ હત્યા, હિંસાને બંધ કરાવવા તથા માંસ મટરનું જાહેરમાં વેચાણ બંધ કરાવવા સનાતન હિન્દુ સમાજના અગ્રણીઓએ સહી સાથે વિવિધ તંત્રોને પત્ર લખીને રજૂઆત કરી છે. હિન્દુ સમાજના આગેવાનોએ ધારાસભ્ય, નાયબ કલેક્ટર, મુંદરા મામલતદાર વગેરેને પત્રથી કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, પવિત્ર શ્રાવણ માસ આવવાનો હોઈ તાલુકાના દરેક ગામમાં શિવ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાનોમાં લોકો દેવ-દર્શને જતા હોય છે. તાલુકાના મુંદરા, નાના કપાયા, મોટા કપાયા, સમાઘોઘા, ટુંડા, મોટી ભુજપર, ભદ્રેશ્વર, મોટા કાંડાગરા, લુણી જેવા ઘણા ગામોમાં ગેરકાયદેસર પશુ પક્ષીની હત્યા કરી તેના વેચાણનો વેપલો જાહેરમાં થાય છે અને કાયદા મુજબની કોઈ પરવાનગી નથી. સમાજની લાગણી દુભાય છે. બેરોકટોક જાહેરમાં પશુઓની કતલથી લોકોના આરોગ્ય પર પણ વિપરીત અસર થાય છે. આવા કૃત્ય કરનારાઓ તથા તેમના મળતિયાઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવે અને આવી પ્રવૃત્તિ બંધ થાય.
શેર કરો –