Aapnucity News

લંડન બકિંગ્હામ પેલેસ બહાર `સેવા પર્વ’નું આમંત્રણ અપાયું : 26 ડિસે.થી ત્રિદિવસીય ઉજવણી કરાશે

કેરા (તા. ભુજ), તા. 22 : કચ્છીઓ જગતના કોઇ પણ ખૂણે વસે, તેના દિલ-દિમાગમાં હંમેશાં કચ્છની સેવા વસેલી રહે છે. ડિસેમ્બરમાં ભુજ ખાતે યોજાનાર `સેવા પર્વ’નું આમંત્રણ છેક બકિંગ્હામ પેલેસ સુધી પહોંચ્યું હતું. સમાજપ્રેમી પરિવારોમાં ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. ઇ.સ. 2000માં ભુજ ખાતે કચ્છી લેવા પટેલ સમાજના આધારસ્તંભો આર. આર. પટેલ, આર. એસ. હીરાણીએ દાતા કેશવલાલ પ્રેમજી ભુડિયા પરિવારને પ્રેરણા કરી ભુજ ખાતે માતૃશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા ભુડિયા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી હતી. આખું કચ્છ જેની ઘણી રાહતદરે સેવા પામી રહ્યું છે, તેવા આ કરુણાધામને 25 વર્ષ પૂર્ણ થતાં 26, 27, 28 ડિસે. 2025ના ત્રિદિવસીય `સેવા પર્વ’ ઊજવાનારું છે. કચ્છી લેવા પટેલ સમાજ ભુજની ત્રણેય પાંખે વિશ્વવાસી સૌ કચ્છીઓને આમંત્રણ પાઠવ્યું છે, તેની પ્રતીક અર્પણવિધિ હોસ્પિટલના હિસાબનીશ અશ્વિન પિંડોરિયાએ લંડન ખાતેના બ્રિટિશ રાજઘરાનાના સત્તાવાર નિવાસસ્થાન બકિંગ્હામ પેલેસ ખાતે મૂળ ભારાસરના સમાજપ્રેમી દાતા નીતિનભાઇ કેરાઇ, સવિતાબેન દંપતીને આપતાં સમગ્ર બ્રિટિશવાસી કચ્છીઓને મહોત્સવમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. હોસ્પિટલના વર્તમાન ચેરમેન ગોપાલભાઇ ગોરસિયાએ જણાવ્યું હતું કે, સર્વજ્ઞાતીય સેવાઓમાં શિરમોર એમ.એમ.પી.જે. હોસ્પિટલના 25 વર્ષના સેવાકાળ દરમ્યાન અનેક દાતાઓ સહયોગી બન્યા છે. જિલ્લાનું આરોગ્ય માળખું આ હોસ્પિટલનાં કારણે સમતોલ બન્યું છે. મૂળ ફોટડીના મોમ્બાસાવાસી સ્વ. હસુભાઇ કાનજી ભુડિયાના પુત્રો દર્શક, કીર્તન, ધ્રુવ, ભત્રીજા સૂરજભાઇ ઉપરાંત ભાનુબેન, પુષ્પાબેન, વેલબાઇ મા અને રતન મા સમગ્ર પરિવારના ઓવારણા લેવાશે, તે માટે સમગ્ર કચ્છના સેવાભાવી આગેવાનોને જોડવામાં આવનારા છે. આ પ્રસંગે હસુભાઇ પરિવારના કાનજીભાઇ, કેશુભાઇની કાંસ્ય પ્રતિમાઓ સ્થાપિત કરાશે, તેવું પૂર્વ ઉપાધ્યક્ષ કેશરાભાઇ પિંડોરિયા, સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, મંત્રી કરશનભાઇ મેપાણી, રામજી સેંઘાણીએ ત્રણેય પાંખ વતી જણાવ્યું હતું. મહોત્સવમાં વિશ્વવાસી દરેક લેવા પટેલ સમાજને આમંત્રણ અપાયા છે અને આગોતરી જાણ કરી દેવાઇ છે.

શેર કરો –

Download Our App:

Get it on Google Play