Aapnucity News

વડતાલ મંદિરમાં શ્રાવણ મહિનામાં રોજ સવા લાખ તુલસીપત્ર અને બિલીપત્ર અર્પણ થશે

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણી ભક્તિ પર્વની ઉજવણી 25 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી કરવામાં આવશે. વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડો.સંતવલ્લભસ્વામીના જણાવ્યા અનુસાર, શ્રાવણ માસ દરમિયાન હરિકૃષ્ણ મહારાજને દરરોજ સવા લાખ તુલસીપત્ર અર્પણ કરવામાં આવશે.મંદિરમાં સવારે શણગાર આરતીથી બપોરે 12 વાગ્યા સુધી જનમંગલ સ્તોત્રના પાઠ થશે. આ વર્ષે શ્રાવણ માસમાં ચાર સોમવાર આવે છે. વડતાલ મંદિરમાં ભગવાન હરિએ સ્વહસ્તે મંદિરના દરવાજે વિઘ્નહર્તા ગણપતિ સાથે શિવની સ્થાપના કરી હતી. મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટ રોજના 10 હજાર બિલીપત્ર અર્પણ કરશે, જે માસ પર્યંત 3 લાખ થશે. મિતુલભાઈ શુક્લ રોજના 5 હજાર બિલીપત્રો શિવલિંગ પર ચઢાવશે, જે માસના અંતે 1.50 લાખ થશે. વેદોક્ત રુદ્રી પાઠ, અભિષેક અને જપાત્મક લઘુરુદ્ર પણ કરવામાં આવશે. કાર્યક્રમના આયોજક ડો.સંતવલ્લભદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી છે. વડતાલ સહિત આજુબાજુના 50થી વધુ ગામોના હરિભક્તો દરરોજ તુલસીપત્રો ચૂંટવાની સેવામાં જોડાશે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને દર વર્ષે શ્રાવણમાસમાં બિલીપત્રથી મહાદેવનું પૂજન-અર્ચન કરવાની આજ્ઞા આપી છે.

Download Our App:

Get it on Google Play