વાયોર (તા. અબડાસા), તા. 25 : તાલુકાના ગરડા પંથક વિસ્તારના વાયોર ગામથી આઠ કિ.મી. અને ખારાઇથી બે કિ.મી. દૂર ગાઢ જંગલ વિસ્તારમાં આવેલાં પૌરાણિક તીર્થધામ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સાથે અનેક દંતકથા પ્રચલિત છે. ખારાઇ લખપત તાલુકાના આ નાનકડાં ગામમાં જંગમ પરિવારની પાંચમી પેઢી હાલે સેવા-પૂજા સંભાળી રહી હોવાની માહિતી મળી હતી. અહીંના તજજ્ઞોનું કહેવું છે કે, ઘણા સમય પહેલાં એક ગોવાળની દંતકથા સૌને યાદ છે. બીજી દંતકથા મુજબ અહીં ઋષિમુનિ તપસ્યા પણ કરી ચૂક્યા છે. વળી, અહીં સિંધ નામના પૌરાણિક વૃક્ષ પરથી સિદ્ધેશ્વર મહાદેવ નામ પ્રચલિત થયું હોવાની માહિતી મળી હતી. શ્રાવણ માસને પગલે વાયોર, પદ્ધરવાડી, ઉકીર, ફુલાય, વાઘાપદ્ધર, ભોઆ, સારંગવાડા, ચરોપડી નાની-મોટી, કરમટા, અકરી મોટી, બેર મોટી, પંખો, જમનવાડા, સાયણ, જુલરાઇ, હરોડી, બરંદા, નલિયા જેવા અનેક આસપાસના ગામોમાંથી શિવભક્તોની ભીડ જોવા મળશે. મહાશિવરાત્રિ તેમજ શ્રાવણ માસ દરમ્યાન અમાસના દિવસે અહીં મેળો પણ ભરાય છે તેમજ સંતવાણી તથા ચાર પહોરની પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
શેર કરો –