Aapnucity News

વિઠ્ઠલ ઉદ્યોગ નગર ઔદ્યોગિક સંગઠન ખાતે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

ભારત સરકારના પ્રોવિડન્ડ ફંડ અને પેન્શન વિભાગ દ્વારા નવી યોજના એમ્પ્લોયમેન્ટ લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે, આ યોજનાની વિસ્તૃત જાણકારી આપવા માટે અને યોજનાનો અમલ થાય તે હેતુસર પીએફ અને પેન્શન વિભાગ તથા વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર શ્રી યોગેન્દ્ર સિંહ શેખાવત અને અમલીકરણ અધિકારી શ્રીમતી રૂપાંગી રાવલના નેતૃત્વ હેઠળ એક મહત્વપૂર્ણ જાગૃતિ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય “પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના” ના વિવિધ લાભો વિશે સહભાગીઓને માહિતગાર કરવાનો અને તેમને યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે પ્રાદેશિક ભવિષ્ય નિધિના કમિશ્નર શ્રી શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,આ યોજનાના નવા કર્મચારીઓને રૂ.૧૫ હજાર સુધીનો લાભ મળશે, જે એક વર્ષમાં બે હપ્તામાં આપવામાં આવશે. આ ઉપરાંત નોકરીદાતાઓને દરેક નવા કર્મચારી દીઠ રૂ.૧૦૦૦, રૂ.૨૦૦૦ અથવા રૂ.૩૦૦૦ પ્રતિ માસ પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રોત્સાહન ૦૨ વર્ષ માટે લાગુ રહેશે, જ્યારે ઉત્પાદન એકમો માટે આ સમયગાળો ૦૪ વર્ષ સુધી લંબાવવામાં આવશે. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના ફક્ત નવા રોજગાર સર્જનનો માર્ગ મોકળો કરશે નહીં, પરંતુ ઉદ્યોગોને આર્થિક રીતે પણ મજબૂત બનાવશે. આ યોજના યુવાનો માટે નવી તકો લાવશે. વિઠ્ઠલ ઉદ્યોગ નગર ઔદ્યોગિક સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને કર્મચારીઓ, ઉદ્યોગો સાથે સંકળાયેલા નોકરીદાતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Download Our App:

Get it on Google Play