Aapnucity News

અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે

શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે. કાલિદાસ મિસ્ત્રી ભવન, અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભાદરવી પૂનમ મહા મેળાનું સુચારુ આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાશે. સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે. ફૂડ વેસ્ટના નિકાલ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે. તેમણે સેવા કેમ્પ આયોજકોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉભી કરાશે.મહા મેળા દરમિયાન ટ્રાફિકને લગત કોઈ પ્રશ્ન ઊભો ના થાય તે માટે ખાસ આયોજન કરાશે. સેવા કેમ્પો દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્ત પાલન થાય તે માટે સહકાર આપવા વિનંતી કરાઈ હતી. ચાલુ વર્ષે યાત્રિકોના વિસામાની સંખ્યામાં વધારો કરાશે. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સરકારશ્રી તરફથી વિશેષ આયોજન કરાશે.

Download Our App:

Get it on Google Play