Aapnucity News

નડિયાદ રોડ પર CNG સપ્લાયર વાહનમાંથી ગેસ લીકેજ, અફરાતફરીનો માહોલ

ચરોતર ગેસમાંથી સીએનજી (CNG) ભરીને નડિયાદ રોડ તરફ જઈ રહેલા એક એલસીવી (LCV) સપ્લાયર વાહનમાંથી પર્વટા પાસે અચાનક ગેસ લીકેજ થતા રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો અને રોડ પર ધુમાડાના ગોટેગોટા દેખાતા વાહનચાલકો ગભરાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સીએનજીથી સંપૂર્ણ ભરેલા આ વાહનમાં વાલ્વ લીકેજ થતાં મોટા પ્રમાણમાં ગેસ બહાર નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા, તાત્કાલિક એક સાઈડનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે બીજા રોડ પર વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ, ચરોતર ગેસની ઇમરજન્સી વાન પણ દોડી આવી હતી. ચરોતર ગેસની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને વાહનમાંથી લીકેજ થતો વાલ્વ બંધ કર્યો હતો, જેના પગલે ગેસ લીકેજ અટક્યો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, ગેસ લીકેજના કારણે સર્જાયેલા ધુમાડા અને અફરાતફરીના કારણે થોડા સમય માટે વાતાવરણ ભયભીત બની ગયું હતું. ઉમરેઠ ફાયર ફાઈટરની હાજરીથી કોઈ આગજનીનો બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી.

Download Our App:

Get it on Google Play