Aapnucity News

અંતરજાળ સોસાયટી વિસ્તારમાં પીવાનું પાણી ન મળતાં આક્રોશ

ગાંધીધામ, તા. 23 : ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા અંતરજાળના મહાવીર નગરમાં પીવાનું પાણી ન મળતા લોકો મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા અને એન્જિનીયરને રજૂઆત કરી હતી ઘણા દિવસોથી આ સમસ્યાનો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના પગલે જલ્દીથી સમસ્યાનું સમાધાન આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ પીવાનું પાણી પૂરું પાડે છે. જરૂરિયાત કરતા પાણીનો જથ્થો ઓછો આપતો હોવાના આક્ષેપો છે. ગ્રામીણની લાઈનોમાંથી વાણિજ્ય એકમોને પાણીનો જથ્થો જતો હોવાનો પણ આક્ષેપો થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં મહાનગરપાલિકા દ્વારા તે બાબતની તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન જથ્થો ઓછો અપાતો હોવાનો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી પુરવઠા બોર્ડના જવાબદારોનું આ બાબતે ધ્યાન પણ દોરવામાં આવ્યું છે છતાં હજુ પરિસ્થિતિ જૈસે થે છે. તેના કારણે ગ્રામીણ વિસ્તારમાં પૂરતા જથ્થા સાથે લોકોને પીવાનું પાણી મળતું નથી. લોકો રજૂઆત કરવા જીએમસી પહોંચે છે. અંતરજાળના મહાવીર નગરમાં પીવાનું પાણી ન મળતા બુધવારે લોકો મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને એન્જિનીયર અર્ણવ બૂચને રજૂઆત કરી હતી. લોકોને સાંભળ્યા બાદ સમસ્યાનું સમાધાન કરવા માટે ખાતરી આપી હતી. ગ્રામીણના સોસાયટી વિસ્તારોમાં પીવાનાં પાણીની સમસ્યા છે. ખાસ કરીને અંતરજાળ અને શિણાયનો સોસાયટી વિસ્તાર લાંબા સમયથી આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. અગાઉ મહાનગરપાલિકામાં ફરિયાદો પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં ભરાયાં નથી. ખાનગી ઠેકેદારો દ્વારા ઘણા વિસ્તારોમાં લોકો પાસેથી રૂપિયા લેવાય છે, પાણી આપવામાં આવતું ન હોવાના આક્ષેપો છે. તંત્ર આ સ્થિતિને થાળે પાડે તે જરૂરી છે.

શેર કરો –

Download Our App:

Get it on Google Play