ભુજ, તા. 23 : અહીં કચ્છ મહિલા વિકાસ સંગઠન, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ-કચ્છ દ્વારા કચ્છી લેવા પટેલ એજ્યુ. અને મેડિકલ ટ્રસ્ટના સહયોગે આયોજિત `મારા સપનાનું ઘર- અખર સેન્ટર’ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર આનંદભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં કચ્છના સાત તાલુકાના 42 અખર સેન્ટરની 500થી વધુ બાલિકાઓએ પ્રસ્તુતિ રજૂ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે સેન્ટરની છાત્રાઓ દ્વારા બનાવેલી ફોટોફ્રેમથી ઉપસ્થિતોનું સન્માન કરાયું હતું. કેએમવીએસના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર કૃતિબેન લહેરુએ સંસ્થાના પરિચય સાથે પગભર બનાવવાના પ્રયાસો વર્ણવ્યા હતા. કલેક્ટર શ્રી પટેલે ગામડાની દીકરીઓને શિક્ષણ સાથે સંસ્કાર, જીવન કૌશલ્યો અને રોજગારી મેળવીને પગભર કરવા માટેના પ્રયત્નો બદલ અભિનંદન પાઠવ્યા હતા. કચ્છ જિલ્લા શિણક્ષાધિકારી સંજયભાઇ પરમારે કન્યા શિક્ષણ માટે સરકારી નિ:શુલ્ક યોજનાઓ વર્ણવી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેન્દ્રભાઇ ચૌહાણે નશામુક્તિ અને બાળ લગ્ન અટકાવવાની પ્રવૃત્તિથી સૌને અવગત કર્યા હતા. મહિલા બાળ વિકાસ વિભાગના ફોરમ વ્યાસે દીકરીઓને શિક્ષિત બનાવવા આહવાન કર્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઇ ડોરિયાએ સહકારની ખાતરી આપી હતી. કચ્છી લેવા પટેલ એજ્યુ. મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, કચ્છ યુનિ. બોર્ડ સભ્ય કેશરાભાઇ પિંડોરિયા, વસંતભાઇ પટેલ, ભાવિનભાઇ, પરેશ અજાણી, શ્રી ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે કોટાય ગામની ટીમે માઇમ અને ગોકુલવાસની ટીમે નાટિકા રજૂ કરી હતી. અખર સેન્ટરમાં ભણીને નોકરી મેળવનારી છાત્રાઓ વૈશાલી, ગીતા રજિયાએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા તેમજ વિવિધ ગીતો પર નૃત્ય અને ડાન્સ રજૂ કર્યા હતા. ધૃવીતાબા જાડેજા, મંધરા ફાતમા, હર્ષિદા નાથબાવા, જયા વાઘેલાએ સ્પીચ રજૂ કરી હતી. ગાંધીધામ કોમ્પ્યુટર સેન્ટરમાંથી કોર્સ પૂર્ણ કરનારી દીકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ હતી તેમજ પુસ્તક સેટ અપાયા હતા. કચ્છ મહિલા વિકાસ સંગઠનની સમસ્ત ટીમે કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા. સંચાલન જય અંજારિયાએ સંભાળ્યું હતું.
શેર કરો –