રાપર , તા. 22 : પુલ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા પ્રથડ વિસ્તારમાં આવેલા પુલને બંધ કરી ફતેહગઢ-શિવગઢ મૌવાના થઈ વાહનો દોડાવવાનો આદેશ કરાયો હતો, પરંતુ સાવ સિંગલ પટ્ટીનો આ માર્ગ ભારે વાહનો થકી ખખડધજ થઈ ગયો છે, જેના કારણે ધોળાવીરાની એક બસ ટૂંકાવાઈ છે અને કચ્છથી આવતી બે બસ એસ. ટી દ્વારા રદ કરાઈ છે. આ ઉપરાંત ખાદ્ય સામગ્રી પણ રાપરથી આવતી હોઈ ધોળાવીરામાં મુશ્કેલી ભરી સ્થિતિ સર્જાઈ છે. બંધ કરાયેલા પુલની બાજુમાંજ ડાયવર્ઝન અપાય તે જરૂરી છે. હાલ તો વિશ્વ ધરોહર જતો વાહન વ્યવહાર ખોરવાયો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ એકાએક સફાળું જાગેલું તંત્ર આડેધડ જર્જરીત પુલોને કોઈ વૈકલ્પિક ડાયવર્ઝન આપ્યા વિના જ બંધ કરી રહ્યું છે. થોડા દિવસો પહેલાં રાપરથી બાલાસર ધોળાવીરા સરહદને જોડતો અતિજરૂરી રોડ પર દેશલપર પાસે આવેલા પુલને કોઈ પણ વૈકલ્પિક ડાયવર્ઝન આપ્યા વિના રાતોરાત ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ જે ખારી પર બનેલો છે, તે કાંઈ બારમાસી નદી નથી. તંત્ર ધારે તો વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે તેમ હતું, પણ લોકોને પડતી હાલાકીની એસી ચેમ્બરમાં બેસી નિર્ણયો લેતા અમલદારોને શું ખબર પડે? આ અંગે પુછતાં પણ `ચલક ચલાણું અને પેલે ઘરે ભાણું’ની જેમ માર્ગ-મકાન સ્ટેટમાં પુછતાં તેમણે નેશનલ હાઈવે ઓથોરિટીને ખો આપી હતી. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કે જેમણે ખડીર પ્રાંથળ તરફ જતાં આવતાં ભારે વાહનોને ફતેહગઢ-શિવગઢ, મૌવાણા થઈને ચલાવવા આદેશ કર્યો. તેમણે ક્યારેય આ રસ્તો જોયો છે? ફતેહગઢ, શિવગઢ, મૌવાણા માર્ગે ભારે તો શું નાની કાર લઇને પણ મહામુસીબતે જઈ શકાય છે તે માર્ગ પર ભારે વાહનો ચાલતાં ચાર દિ’માં તો રસ્તાએ જવાબ દઈ દીધો છે અને રસ્તો ઠેકઠેકાણે બેસી કે તૂટી ગયો હોવાથી વિશ્વ ધરોહર ધોળાવીરા પહોંચવું પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે દોહ્યલું બની રહ્યું છે. મોટાં વાહનો પણ અટકી ગયાં હોવાથી ધોળાવીરા પહોંચતો ખાદ્ય પુરવઠો અને જીવનાવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો પણ ખોરવાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ ડાયવર્ઝન વિના જ ભારે માલવાહક અને બસ જેવાં વાહનો માટે પુલ બંધ કરી દેવાતાં અને અન્ય વૈકલ્પિક માર્ગ ખખડધજ હોવાથી અને મોટો ફેરો થતો હોઈ ધોળાવીરા જતી અમદાવાદ ધોળાવીરા બસને રાપર સુધી ટૂંકાવતાં, તો અંજાર-ધોળાવીરા અને ભુજ-ધોળાવીરા બસ બંધ કરી દેવાતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનું આવાગમન મુશ્કેલ અને હાડમારીભર્યું બન્યું હોવાનું ધોળાવીરા સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું. – બી.એસ.એફ. ચોકીની વસ્તુ પણ રાપરથી આવતી હોવાથી મુશ્કેલી : દેશલપરવાળો પુલ બંધ કરાતા ફતેહગઢ, બાલાસર, જાટાવાડા, લોદ્રાણી વગેરે વિસ્તારમાં આવેલી માટીની ખાણોમાંથી માટીની ગાડીઓનું ટ્રાન્સપોર્ટેશન ઠપ થઈ ગયું છે અને મૌવાણા-ફતેહગઢ માર્ગ લાંબો અને ભંગાર હોવાથી આ પ્રાઈવેટ ખાણ માલિકો દ્વારા સ્વખર્ચે ડાયવર્ઝન બનાવવાનો પ્રયત્ન કરાયો હતો. આ વિસ્તાર અભ્યારણ્યમાં આવતો હોવાથી કે અન્ય કારણોસર વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તે કામ અટકાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અર્ધલશ્કરી દળ બીએસએફની અનેક સીમાચોકીઓ આ વિસ્તારમાં આવેલી હોવાથી અને તેમનો તમામ સીધો સામાન રાપરથી જ આવતો હોવાથી તેનું મહત્ત્વ સમજીને પણ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા, નજીકથી જ ડાયવર્ઝન કાઢવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
શેર કરો –