Aapnucity News

અંજારમાં આધેડને રખડતા ઢોરે હડફેટે લેતાં મોત

અંજાર, તા. 23 : છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોની સમસ્યાએ માઝા મૂકી છે, શહેરના મોટા ભાગના સોસાયટી, રહેણાક અને જાહેર માર્ગો પર મોટા પ્રમાણમાં ઢોરોના ઝૂંડ નજરે જોવા મળી રહ્યા છે, અંજાર શહેરમાં અગાઉ પણ અનેક વખત રખડતા ઢોરોનાં કારણે અનેક લોકોના અસ્થિભંગના અગણિત બનાવો બની ચૂક્યા છે, તેમજ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે ગઇકાલે શહેરના જેસલ તોરલ ચોક મધ્યે આવો જ એક દુ:ખદ કિસ્સો બન્યો હતો, ગઇકાલે બપોરના જેસલ તોરલ ચોક મધ્યે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા લોહાર સમાજના 77 વર્ષીય વડીલ વૃદ્ધ નાનજીભાઈ દેવજીભાઇ દાવડા (લુહાર)ને એક આખલાએ હડફેટે લેતાં ગંભીર ઈજાઓ થઇ હતી, જેને સારવાર માટે અંજારની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યા, પરંતુ કમનસીબે વૃદ્ધે સારવાર દરમ્યાન દમ તોડી નાખ્યો હતો. અંજારમાં અનેક વખત આવા ગંભીર બનાવો બની ચૂક્યા છે, છતાં પણ નિદ્રાગ્રસ્ત અંજાર સુધરાઇ દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી, અનેક લોકો ગંભીર ઇજાના ભોગ બની ચૂક્યા છે, તો અનેક લોકોનાં મોત નીપજ્યાં હોવા છતાં શહેરમાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. અંજાર લુહાર સમાજના પ્રમુખ જયેન્દ્રભાઈ આસોડિયા અને અગ્રણી અરાવિંદભાઈ આસોડિયાએ આ બાબતે જણાવ્યું કે ગઇકાલની ઘટના અત્યંત દુ:ખદ છે, શહેરમાં રખડતા ઢોરોની વિકટ સમસ્યા સર્જાઇ છે, શહેરના દેવળિયા નાકા, ગંગા નાકા, વિજયનગર, સવાસર નાકા વિસ્તાર, શાકમાર્કેટ તેમજ મુખ્ય બજાર અને મોટા ભાગના રહેણાક વિસ્તારોમાં રખડતા ઢોરોને કારણે રહીશોના જીવને જોખમ સર્જાઈ રહ્યું છે. આ બાબતે અંજાર સુધરાઇ દ્વારા જવાબદારી સ્વીકારી નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

શેર કરો –

Download Our App:

Get it on Google Play