ભુજ, તા. 22 : કચ્છની ધરતીમાં મહામૂલું ખનિજ ધરબાયેલું છે, જેની લાંબા સમયથી ઠેર-ઠેર ખનિજચોરી થતી હોવાનું સામે આવી રહ્યું છે. આ વચ્ચે માંડવીની વાંઢની સીમમાં સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદે રીતે બોકસાઇટનાં ખનન પર એલ.સી.બી.એ કાર્યવાહી કરી 35 ટન બોકસાઇટ, એક ડમ્પર અને એસ્કેવેટર મશીન સહિત રૂા. 81,75,000ના મુદ્દામાલ સાથે બે ચાલકને ઝડપી કાર્યવાહી કરી હતી. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ઇન્ચાર્જ પી.આઇ. એચ.આર. જેઠી, પી.એસ.આઇ. જે.બી. જાદવનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, હે.કો. સૂરજભાઇ વેગડા, મૂળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ ગઢશીશા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે દેવજીભાઇ તથા સૂરજભાઇને સંયુક્ત ખાનગી બાતમી મળી કે, વાંઢ ગામથી ગોણિયાસર તરફ જતા રોડ ઉપર વાંઢની સીમમાં સરકારી પડતર જમીનમાં ગેકાયદેસર રીતે બોકસાઇટ (ખનિજ)નું ખોદકામ ચાલુ છે. આ બાતમીનાં પગલે એલ.સી.બી.ની ટીમે ઘટના સ્થળે જઇ તપાસ કરતાં ત્યાં ખનન ચાલુ હતું, એસ્કેવેટર મશીનના ચાલક ભાવેશ મેઘરાજ સંઘાર (રહે. વાંઢ) તથા ડમ્પર નં.જી.જે. 39-ટી.એ. 6555ના ચાલક સુનીલ કમાભાઇ રબારી (રહે. દુધઇ તા. અંજાર) મળી આવ્યા હતા. ડમ્પરમાં 35 ટન જેટલું બોકસાઇટ ભરેલું હતું. બન્ને ચાલકોએ આ ખનન બાબતેના આધાર-પુરાવા માગતા નહીં હોવાનું જણાવ્યું હતું. આથી એસ્કેવેટર મશીન કિં. રૂા. 40 લાખ તથા ડમ્પર કિં. રૂા. 40 લાખ અને ડમ્પરમાં ભરેલું બોકસાઇટ ખનિજ આશરે 35 ટન કિં. રૂા. 1,75,000 એમ કુલે રૂા. 81.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરવા ગઢશીશા પોલીસને સોંપાયા હોવાનું એલ.સી.બી.ની યાદીમાં જણાવાયું છે. બીજી તરફ આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ખાણકામ માટે જિતેશભાઇ નારણભાઇ સંઘાર (રહે. મોમાયમોરા,તા. માંડવી),ના કહેવાથી થતું હોવાની માહિતી મળ્યા બાદ જિતેશ પણ ત્યાં આવી જતાં જિતેશને એસ્કેવેટરની માલિકી અંગે પૂછતાછ થતાં મશીન હાલ તેના કબજા-ભોગવટાનું હોવાનું જણાવી પોતે અહીં કમલેશભાઇ સંઘાર (રહે. કોજાચોરા)ના કહેવાથી બોકસાઇટ ભરી આપતો હતો.
શેર કરો –