ગાંધીધામ, તા. 23 : અહીંની નૃત્ય સંસ્થા માર્ગમ અકાદમીની નવ નૃત્યાંગનાઓ દ્વારા આરંગેત્રમ રજૂ કરી કલાનાં કામણની રજૂઆત કરાઈ હતી. ભારતની તમામ શાત્રીય નૃત્ય શૈલીમાંથી સૌથી પ્રાચીન એવી ભારત નાટયમ નૃત્ય શૈલીમાં સાતથી નવ વર્ષની જટિલ તાલીમ અને સાધના બાદ નૃત્યાંગના પોતાની સંપૂર્ણ તાલીમની સાધના સમાજ અને મહેમાનોની ઉપસ્થિતિમાં પોતાની કાર્ય સાધનાની પ્રતીતિ પ્રેક્ષકગણને કરાવે છે. અકાદમીના સંચાલક ધારા શાહનાં માર્ગદર્શન હેઠળ અવીશા રંગવાની, કામના મેઘાની, રૂદ્રી પીલ્લા, સાન્વી મોદી, સીમરન બાગરેચા, નિશી પારેખ, યેશા ઠક્કર, ભૂમિ ભાનુશાલી, મહેશ પારેખે તાલીમ મેળવી હતી. આ નૃત્યાંગનાઓ દ્વારા સાત વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ નવતરંગી આરંગેત્રમ રજૂ કર્યું હતું. પરંપરાગત પ્રસ્તુતિમાં તકનીકી, અભિનય, તાલ અને રાગનો સમન્વય કરવામાં આવ્યો હતો. ત્રણ કલાક સુધીની સળંગ પ્રસ્તુતિમાં નૃત્યાંગનાની શારીરિક ક્ષમતા, કલાનૃત્યમાં માસ્ટરી, તાલની સમજ, ભાવવાહી પ્રસ્તુતિનો સમન્વય એટલે આરંગેત્રમ. ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન હોલ ખાતે આયોજિત આરંગેત્રમમાં પુષ્પાંજલિથી મંગલમ સુધીની રજૂઆત કરવામાં આવી હતી. નૃત એટલે સુંદર તાલની પ્રસ્તુતિ અને નૃત્યપાની અભિનય સાથેની રજૂઆત કરવામાં આવે છે. પદમ કૃતિમાં કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ અને માતાને બ્રહ્માંડનાં દર્શન સુધીના પ્રસંગોનું વર્ણન, જ્યારે હનુમાન ચાલીસા સાથે રામાયણના નવરસનો પ્રયોગ કરીને રજૂઆત કરવામાં આવી હતી. જતિશ્વરમ, શબ્દમ, વર્ણમ, કીર્તનમ, તીલ્લાના વિગેરે પ્રસ્તુતિએ લોકોને ભાવવિભોર બનાવ્યા હતા. આ વેળાએ મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુજ, સિદ્ધાર્થ ગોયલ, ડો. વી.એલ. મોરખિયા, એ.આર.એમ. આશિષ ધાનિયા, અજય શુકલા, ગંગારામભાઈ ભાનુશાલી વિગેરેએ બાળકોની પ્રસ્તુતિને બિરદાવી હતી. પરંપરાતગ નૃત્ય શૈલીમાં સંગત આપનારા સંગીતકારની ટીમ ચેન્નઈથી આવી હતી. મૃદંગમમા હરીનારાયને, વોકલમાં રીતીકેશ્વરજી, વોયોલીનમાં વિષ્ણુ વર્માજી અને ફ્લુટમાં હરીહરન જયકુમારે પ્રસ્તુતિ આપી હતી. આઉટડોર શુટિંગમાં કચ્છનાં મહારાણી પ્રીતિદેવીનો વિશેષ સહકાર સાંપડયો હતો. આયોજનમાં મહાવીરજી પારેખ, કિશોરભાઈ મેઘાની, સંદિપ બાગરેચા, મિતુલ પારેખ, હેમંત રંગવાની, રાજેશ ઠક્કર, લલિત મોદી, અશોક ભીલ્લા, જયેશ ભાનુશાલી, મયૂર શાહ, સહયોગી બન્યા હતા.
શેર કરો –