ગાંધીધામ, તા. 23 : ગુજરાતના ઔદ્યોગિકરણનાં વિકાસમાં જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતોની મુખ્ય ભુમિકા રહેલી છે જે ઉદ્યોગોને માળખાગત સુવિધાઓ અને સહાયક સેવાઓ પુરી પાડી રોજગારીનું સર્જન કરી રાજયની આર્થિક પ્રગતિમાં મોટું યોગદાન આપે છે ત્યારે જીઆઈડીસી વસાહતોનાં ભંગાર રસ્તાઓ અને અપુરતી ડ્રેનેજ વ્યવસ્થાને કારણે અનેક પડકારો અને હાડમારીનો સામનો કરી રહયા છે. શહેરની ભાગોળે આવેલી મીઠીરોહર જી.આઈ.ડી.સીમાં માળખાકીય સુવિધાઓના નામે શુન્ય જેવી સ્થિતિ લાંબા અંતરાલથી છે. આ મામલે દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપતા એકમોના સંચાલકોએ વ્યાપારી સંસ્થા સાથે બેઠક કરી સમસ્યાના નિરાકારણ માટે માંગ કરી હતી. દરમ્યાન ઉદ્યોગગૃહના સંગઠનની પણ રચના કરવામાં આવી હતી. ગાંધીધામની ભાગોળે આવેલી મીઠીરોહર જીઆઈડીસીનાં રોડ, રસ્તા અને ગટર વ્યવસ્થાની અત્યંત કંગાળ હાલતથી પરેશાન છે.ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળના દેનુ કંપાનીયાએ જણાવ્યું હતું કે, મીઠીરોહર જીઆઈડીસીના રોડો પર ઠેરઠેર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે આખી વસાહતના તમામ રસ્તાઓ તૂટી ગયા છે. જેથી ઠેરઠેર તુટેલા રોડ અને ખાડાઓમાં પાણી ભરાયેલ છે. જેથી રસ્તાઓ ઉપર કીચડ, કાદવ અને દલદલથી રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે, જેથી જીઆઇડીસી વિસ્તારમાં ગ્રાહકો તથા મુલાકાતીઓ આવી શક્તા નથી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ઠેર-ઠેર જળ ભરાઉથી આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. પ્રતિનિધિ મંડળની રજુઆતોને ચેમ્બર પ્રમુખશ્રી મહેશ પુજ, પૂર્વ પ્રમુખ તેજા ભાઈ કાનગડ અને માનદ મંત્રી મહેશ તિર્થાણીએ સાનુકુળ પ્રતિસાદ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ બાબતે ચેમ્બર તરફથી રાજયના ઉદ્યોગમંત્રી અને ઉદ્યોગ કમિશ્નરને વિગતવાર પત્રો ધ્વારા રજુઆતો કરાઈ હોવાનું જણાવ્યું હતું. આ સાથે મીઠીરોહરની જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીના તમામ ઉદ્યોગકારોએ તેજા કાનગડની સર્વાનુમતે મીઠીરોહર જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ તરીકે વરણી કરી હતી. સમસ્ત ઉદ્યોગકારોએ તેમની વરણીને આવકાર આપી તેઓની કામગીરીને બીરદાવી હતી. તેમના પ્રમુખપદ હેઠળ આ ઔદ્યોગિક વસાહતના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ કરવા માટે સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ બેઠકમાં ચેમ્બરના ઉપ પ્રમુખ દિપક પારેખ, માન કોષાધ્યક્ષ નરેન્દ્ર રામાણી, કારોબારી સમિતિના સભ્ય અનિમેષ મોદી તથા મીઠીરોહર જીઆઈડીસીના પ્રતિનિધિઓમાં ચંદ્રસેન ભંભાણી, પ્રકાશ જૈન, વિજય ઉડે, મોહન કુલકર્ણી, રમેશચંદ્ર મોદી, તુલસીરામ શર્મા, વિનોદ બિન્દલીશ, અમીત કુમાર, કેપ્ટન અશોક મોદી, જ્ઞાનાસિંઘ તથા છુટનખાન ઉપસ્થિત રહયા હતા. – રસ્તાઓમાં તાત્કાલીક મેટલ ગ્રીટથી ખાડા પુરાશે : ગાંધીધામ, તા. 23 : ઔદ્યોગિક વસાહતમાં પ્રાથમીક ધોરણે આ મોટા ખાડાઓ પુરવા માટે મેટલ અને કાંકરી નાંખી આ ભાંગી પડેલા રસ્તાઓને કામચલાઉ રીતે ચાલુ કરવા ખૂબજ જરૂરી છે. ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજા કાનગડ અને માનદ મંત્રી મહેશ તિર્થાણીની આગેવાની હેઠળ ઉદ્યોગકારોના પ્રતિનિધિમંડળ સાથે આજે મીઠીરોહર જીઆઈડીસીની મુલાકાત લીધી હતી. રસ્તાઓની અત્યંત ખરાબ સ્થિતિને જોઈને તાત્કાલિક ધોરણે મેટલ અને ગ્રીટથી ખાડાઓ પુરી રસ્તાઓ મોટરેબલ કરવા નિર્ણય લેવાયો હતો, જેથી ઉદ્યોગોનું અટકી પડેલી ઉત્પાદન પ્રક્રિયા ચાલુ કરી શકાય. – વાહનો આવી શકતા નથી: આયાત નિકાસને અસર : ગાંધીધામ, તા. 23 :પાણી ભરાઈ જવાથી અને મોટા ખાડાઓથી ત્રસ્ત ટ્રાન્સપોર્ટરો મીઠીરોહર જીઆઈડીસીમાં આવવા તૈયાર થતા નથી તેવી ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. તમામ રસ્તાઓની અત્યંત ખરાબ સ્થિતિથી રસ્તાઓ મોટરેબલ રહયા નથી અત્યંત ખરાબ રસ્તાઓને કારણે માલ-સામાનની પહોંચ અને કર્મચારીઓની અવરજવર થઈ શક્તી નથી, જેથી સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા અટકી પડેલ છે. આવી પરિસ્થિતિમાં ઉદ્યોગકારો મોટું આર્થિક નુક્શાન ભોગવી રહયા છે, તેની સાથોસાથ દેશના આયાત-નિર્યાત ઉપર પર પણ ગંભીર અસર પડી રહી છે.
શેર કરો –