ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 23 : કચ્છમાં જાગૃતિનો અભાવ કહો કે અજ્ઞાનતા ગરીબ લાભાર્થીઓને સરકાર દ્વારા મળતી મફત યોજનાનો લાભ પણ લેવાતો નથી. નવાઇની વાત તો એ છે કે, હવે તો કોઇ વ્યક્તિનો સંપર્ક આંગળીના એક ટેરવે થઇ જાય છે, પરંતુ કમનસીબી એવી છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ આ બાબતમાં નિક્રિયતા જોવા મળે છે. વાત છે રાંધણગેસના મફત સિલિન્ડરની… હકીકત એવી છે કે, આમ તો ભારત સરકાર તરફથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ લાભાર્થીઓને મફત રાંધણગેસનું જોડાણ મળે છે. તેઓને પ્રતિ સિલિન્ડરમાં સબસિડી આપવામાં આવે છે, પરંતુ આ જ યોજનામાં રાજ્ય સરકાર તરફથી એલ.પી.જી., સી.એન.જી. સહાય યોજના હેઠળ મફત સિલિન્ડર આપવામાં આવે છે, જેની પૂરતી જાગૃતિના અભાવે અરજદારો લાભ લેવા આગળ આવતા નથી. આ મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાસ્મીનો સંપર્ક સાધતા તેમણે સમર્થન આપ્યું ને કહ્યું કે, મફત સિલિન્ડર મળે છે છતાં અરજદારો લેતા નથી. ચ્છમાં કુલ 1,45,200 જોડાણધારકને ઉજ્જવલા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, પરંતુ આમાંથી 21,652 એવા છે જેઓને વર્ષમાં બે વખત મફત ગેસ સિલિન્ડર મળે છે, છતાં તેને લેવામાં આવતા નથી એટલે સરકારી લાભ અરજદારો સુધી પહોંચતો નથી. ટકાવારીની વિગતો આપતાં શ્રી હાસ્મીએ જણાવ્યું કે, 14.91 ટકા એવા છે જે અરજદારો આ યોજનાનો લાભ લેવા આવતા નથી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને તથા રાજ્ય સહાય યોજના હેઠળ તમામ લાભાર્થીઓને વર્ષમાં બે વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડર રીફિલિંગ કરી આપવાની યોજના અમલમાં છે. યોજનાનો લાભાર્થીઓને વિનામૂલ્યે ધુમ્ર મુક્ત રાંધણગેસ મળી રહે તેમજ તેઓ દ્વારા એલ.પી.જી.ના વપરાશ અંગે જાગૃતિ વધે તે હેતુસર તેમજ જે લાભાર્થીઓનું એલ.પી.જી. ગેસ કનેક્શન 31મી માર્ચ-2025 સુધીમાં ઇન્સ્ટોલ થયું હોય તેવા લાભાર્થીઓને એપ્રિલ-25થી જૂન-25ના કવાર્ટર-1માં કવાર્ટર દીઠ એક સિલિન્ડર લાભાર્થીઓને વિતરણ કરવાનું નક્કી થયું છે. સરકાર દ્વારા સને 2025-26માં બંને કવાર્ટરમાં મુદ્દતમાં ફેરફાર કરીને યોજના લંબાવી છે. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026 (કવાર્ટર-1) સુધી વિનામૂલ્યે મળવાપાત્ર રિફિલ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. ખરેખર જે-તે વિસ્તારમાં ચૂંટાયેલા નગરસેવકો કે ગ્રામ પંચાયત અથવા અન્ય લોકપ્રતિનિધિઓ પોતાની નજીકની ગેસ એજન્સી પાસેથી માહિતી મેળવી અરજદારોનો સંપર્ક કરાવી લાભ અપાવે તેવી વ્યવસ્થા જો કરવામાં આવે, તો બહોળા વર્ગ સુધી તેનો લાભ મળી શકે તેમ છે એમ જણાવાયું હતું.
શેર કરો –