ભુજ, તા.22 : જિલ્લા કલેકટર આનંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલાઓના સર્વાંગી વિકાસ હેતુ અંજાર તાલુકાના મારીંગણા ગામમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ખાસ મહિલા ગ્રામસભા-ખાટલા બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ સંબોધનમાં ગામની મહિલાઓએ સહકારી યોજનાઓનો લાભ લેવા તેમજ દરેક દિકરીને ફરજીયાત શિક્ષણ લેવા જણાવ્યું હતું. એક શિક્ષીતનારી સક્ષમ સમાજનું ઘડતર કરી શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવેએ જણાવ્યું હતું કે, ગામની મહિલાઓને પોતાના મુદ્દા-પ્રશ્નોની રજૂઆત માટે યોગ્ય મંચ મળે અને બહેનો સ્વયં પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તેમજ વિવિધ યોવજનાની માહીતી મેળવી શકે તે હેતુથી ખાસ ખાટલા બેઠક યોજાઈ હતી. જિ.પં. બાંધકામ સમિતિના ચેરમેન નશરૂભાઈ રબારીએ સતત બે ટર્મથી મહિલા સમરસ પંચાયત રહી હોવાનું જણાવ્યું હતું. આ અવસરે ગામની મહિલાઓ તથા કિશોરીઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગારી, એસ.ટી., પોષણ, મહિલાલક્ષી સરકારની યોજનાઓ વિ.પ્રશ્નોની રજુઆત કરાઈ હતી. જિલ્લા વહીવટી તંત્રમાંથી ઉપસ્થિત અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું. બાલિકા પંચાયતની દીકરીઓએ ગામ માટે લાયબ્રેરીની માગણી કરતા મહિલા બાળ અધિકારીના માર્ગદર્શન મુજબ ગામમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે પીંક લાયબ્રેરી બનાવવા માટે પાંચ લાખની વિશિષ્ટ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ગામના વિકાસ માટે પ્રશ્નો રજૂ કરનારી અને ઉપસ્થિત દરેક બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ઉત્તરોતર પ્રગતીની શુભકામના પાઠવી હતી. આ બેઠકમાં સરપંચ ખીમીબેન મહેશ્વરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ભાવિનભાળ સેંઘાણી, સીડીપીઓ ચેતનાબેન, આરોગ્ય વિભાગમાંથી ડો.પાયલબેન, જીએસઆરટીસીના હિંમતસિંહ ઠાકોર, સેતુ અભિયાનના જયંતીભાઈ જોશી, દીનાબેન વિ. ઉપસ્થિત રહ્યા હતા. પુજાબેન પરમાર, ક્રિષ્નાબેન ભુડિયા, હેતલબેન આહીરે જહેમત ઉઠાવી હતી. સંચાલન મીશન કો-ઓર્ડીનેટર ફોરમબેન વ્યાસે તથા આભારવિધિ કેન્દ્ર સંચાલક ભાવનાબેન ગરવાલિયાએ કરી હતી.
શેર કરો –