Aapnucity News

ભૌતિકતાને બદલે વેદાંતવાદનો સ્વીકાર

ભુજ, તા. 24 : અહીંના 20 વર્ષથી કચ્છને કર્મભૂમિ બનાવીને સતત સમાજના દરેક વર્ગને જ્ઞાનપ્રદાન કરતા સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીના શિષ્ય કરણ ભટ્ટ 2010માં સ્વામીજીને મળ્યા. ગુરુ અને શિષ્યની પ્રથમ મુલાકાત રામકૃષ્ણ કોલોનીમાં થઇ હતી. 2010થી 2019, નવ વર્ષ દરમ્યાન સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી પાસે વેદાંત પ્રસ્થાનત્રયી એટલે કે ભગવદ્ ગીતા, ઉપનિષદ તથા શંકરાચાર્ય ભગવાનના પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે સતત પ્રશ્નોની જિજ્ઞાસા બતાવતા રહ્યા અને ઘણી વખત તો સ્વામીજી પણ જવાબ આપતા થાકી જતા. એ સમયે કરણ ભટ્ટ બાયોટેક્નોલોજીમાં પોતાનો માસ્ટર ડિગ્રીનો અભ્યાસ નીટ ઓરિસ્સામાં કરતા હતા. ત્યારબાદ તેમણે કચ્છ યુનિવર્સિટીમાં ડો. મૃગેશ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ બાયોલોજીમાં ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી ને આજે બ્રહ્મચારી સુદીપ્ત ચૈતન્ય બની ગયા. ડોક્ટરેટની ડિગ્રી મળી તે જ દિવસે કોઈમ્બતૂરમાં શાસ્ત્રનો અભ્યાસ કરવા જતા રહ્યા. કોઈમ્બતૂરમાં આર્ષ વિદ્યા ગુરુકુલમ ખાતે તેમણે સ્વામી દયાનંદ સરસ્વતીજીના શિષ્ય આચાર્ય સ્વામી સદાત્માનંદ સરસ્વતીજી પાસે ચાર વર્ષ વેદાંત અને પાણિનીય સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કર્યો, જ્યાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ પણ વેદાંત પ્રસ્થાનત્રયીનો કોર્સ કર્યો હતો. બ્રહ્મચર્ય દીક્ષા પ્રાપ્ત કરી અને હવે તેઓ બ્રહ્મચારી સુદીપ્ત ચૈતન્યજી બની ગયા છે. દક્ષાબેન ભટ્ટના બે સંતાનોમાં મોટા દીકરા તરીકે જન્મ લઈને હવે સંપૂર્ણ જીવન આદિ જગદ્ગુરુ શંકરાચાર્યજીની જ્ઞાન પરંપરાને સમર્પિત થઈને સંપૂર્ણ સન્યાસ દીક્ષા તરફ આગળ વધી રહ્યા છે. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી જણાવે છે કે, 20 વર્ષથી કચ્છમાં રહ્યો છું, તેમાંથી કચ્છનો એક આશાસ્પદ યુવાન પોતાના જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓને અલવિદા કહીને વેદાંત જ્ઞાનને સમર્પિત જીવન જીવવા કટિબદ્ધ થયો છે એ કચ્છ માટે ગૌરવપૂર્ણ ઘટના ગણી શકાય. અત્યારે થોડા સમય માટે બ્રહ્મચારી સુદીપ્ત ચૈતન્યજી ભુજ છે, ત્યારે તેમના ગુરુસ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીની આજ્ઞાથી શિવ મહિમ્ન સ્તોત્ર પર એક જ્ઞાનયજ્ઞનું આયોજન બિલેશ્વર મંદિર-ભુજમાં કરવામાં આવ્યું છે. શ્રાવણના માસના પ્રારંભે તા.25/7થી 3/8 સુધી દરરોજ સાંજે 5.30થી 7 વાગ્યા સુધી શિવ મહિમ્ન સ્તોત્ર પર તેઓ ચિંતન કરાવશે.

શેર કરો –

Download Our App:

Get it on Google Play