Aapnucity News

મેઘમહેરને વધાવવા ખીરની પેડીની વર્ષો જૂની પરંપરા જળવાઈ

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 24 : છેલ્લા કેટલાંક વર્ષોથી કચ્છ પર મેઘમહેર જારી છે. ચાલુ ચોમાસાંના પ્રારંભે જ મેઘરાજા મહેર વરસાવતાં કચ્છીમાડુના મુખ મકલાયાં છે. પાવરપટ્ટીનાં સુમરાસર શેખના ઉત્તરે રણકાંઠે લીલાછમ સીમાડા વચ્ચે આવેલા બાંભણિયા પીરની દરગાહે હિન્દુ-મુસ્લિમ ભાવિકોએ એક દિવસના એકત્ર કરાયેલાં હજાર લિટર દૂધની પેડી ચડાવવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી હતી. જેઠ માસમાં જ મેઘરાજાની પઘરામણી થયા પછી અષાઢમાં અનરાધાર વરસતાં લોકોમાં ભારે આનંદ છવાયો છે. સમગ્ર સીમાડો લીલીછમ હરિયાળી ચાદરમાં લપેટાયો છે. ખેડૂતો વાવણીની કામગીરીમાં જોતરાયા પછી પાવરપટ્ટીનો સીમાડો ગાજી ઊઠયો છે. જીવાદોરી સમાન આડબંધ (ડેમ) ક્યાંક છલકાયા છે, તો ક્યાંક છલકાવાની રાહમાં છે. સુમરાસર-શેખ ગામના હિન્દુ-મુસ્લિમ ખેડૂતો અને માલધારીઓએ પોતાની આગવી પરંપરા મુજબ `ડોભ’ના આયોજનની એકમતી સાધી હતી. સારાં વર્ષની ખુશી કે કપરા કાળમાં અહીંના લોકો એક દિવસ પોતાના દૂધાળા પશુઓનું એકત્ર કરેલું દૂધ પીર-ફકીર કે ઓલિયાનાં નામે અર્પણ કરી પેડી રૂપે બનાવેલા ખીરના પ્રસાદને આ ગામના લોકો `ડોભ’ કહે છે. – વર્ષોથી ચાલી આવતી પરંપરા અવિરત : બાંભણિયા પીરની દરગાહે તમામ જ્ઞાતિઓ ભારે આસ્થા ધરાવે છે. લગભગ સાડા ચાર સદી પૂર્વે થઈ ગયેલા બાંભણિયા પીરની દરગાહ પર કુબો જે-તે સમયે ગામના રબારી માલધારીએ બનાવ્યો હતો. પાછળથી તેની ફરતે દીવાલ ગામના જ સ્વ. ભોજાભાઈ આહીરે કરી હતી. હવે આ સ્થાનકે પાકું બાંધકામ થઈ રહ્યું છે. સારા વરસાદ બાદ દરગાહની આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. – યુવાનો સહિતની ટીમ ખડેપગે : સુમરાસર-શેખની ખાસીયત એ છે કે, ગામ કરતાં વાડી વિસ્તાર અને સીમાડામાં વસ્તી વધુ છે. અહીં રવિવારના ડોભના આયોજન નક્કી થયા પછી દરગાહના મુંજાવર અધાભા રમજુ ડાડા મોટર સાઈકલ સાથે વાડીએ વાડી ફરી ડોભની જાણકારી આપે છે. યુવાનો વાડી-વાડી દૂધ એકત્ર કરવાની કામગીરી સંભાળે છે. રાતભરની દોડધામ પછી 20થી 25 જેટલાં દૂધથી ભરાયેલાં કેન પીરના પડમાં પહોંચાડવામાં આવે છે. જ્યાં વહેલી સવારથી ગામલોકો એકત્ર થવા લાગે છે. મેદાન વચ્ચે મોટાં તપેલાં ચડાવી ખીર બનાવવામાં વ્યસ્ત બને છે. બીજી બાજુ ધીરે-ધીરે ભાવિકોની ભીડ પણ જામે છે. બપોર થતાં મેળા જેવો માહોલ સર્જાય છે. મધ્યાહન થતાંની સાથે ખીરની પેડી તૈયાર થાય છે. મુંજાવર અધાભા ડાડા બાંભણિયા પીરની દરગાહ આગળ પેડી ચડાવે છે.

શેર કરો –

Download Our App:

Get it on Google Play