મુંબઈ,તા. 22 જુલાઈ, 2025: ભારતમાં નયારા એનર્જી તેના રૂ. 70,000 કરોડના વિસ્તરણ પ્રોજેક્ટ સાથે આગળ વધી રહી છે અને ગુજરાતની વિકાસગાથામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ ગર્વ અનુભવે છે. નયારા એનર્જી ભારતમાં કાયદા અને નિયમનોનું સંપૂર્ણ પાલન કરે છે. એક ભારતીય કંપની તરીકે અમે દેશની ઊર્જા સુરક્ષાને ટેકો આપવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે દ્રઢપણે સમર્પિત છે. અમારી સંસ્થા ભારતીય કાયદા પ્રમાણે ચાલે છે અને અમે દેશના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ પ્રદાતા તરીકે ગર્વભેર કામ કરીએ છીએ.
અમારી કામગીરીઓ ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે ઘનિષ્ઠપણે સંલગ્ન છે. દેશની કુલ રિફાઇનિંગ ક્ષમતાના લગભગ 8 ટકા, ભારતના રિટેલ પેટ્રોલ પંપ નેટવર્કના 7 ટકા અને પોલીપ્રોપિલિન ક્ષમતાના અંદાજિત 8 ટકા જેટલું યોગદાન આપવા ઉપરાંત સમગ્ર દેશના 55,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ કર્મચારીઓને નોકરી આપીને નયારા એનર્જી ભારતની ઊર્જા સુરક્ષામાં મહત્વના સ્થાને રહે છે. સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નોકરીઓના સર્જનમાં અમારા હાલ ચાલી રહેલા રોકાણો તથા પેટ્રોકેમિકલ્સ અને રિટેલ નેટવર્ક વિસ્તરણમાં સતત રોકાણો ભારતના વધી રહેલા બજાર પ્રત્યે અને ઊર્જાની બાબતે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દેશની મહત્વાકાંક્ષાને આગળ લઈ જવા માટે અનન્ય પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભારતમાં, ભારત માટે અમારું વિઝન અમારી કામગીરીના દરેક પાસામાં કેન્દ્રસ્થાને છે. આ સિદ્ધાંતને સંલગ્ન રહેતા અમે ભારતના સૌથી મોટા ખાનગી ફ્યુઅલ રિટેલ નેટવર્ક, સંસ્થાકીય વેચાણ તથા અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) સાથે ભાગીદારીઓ દ્વારા સ્થાનિક બજારમાં મુખ્યત્વે સેવાઓ પૂરી પાડીએ છીએ.
નયારા એનર્જી ભારતની વૃદ્ધિ ગાથા પ્રત્યે અડગ રહે છે અને ઓગસ્ટ 2017થી ભારતમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રૂ. 14,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે જેમાં હાલની રિફાઇનિંગ સુવિધાઓને અપગ્રેડ કરવા, નવા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં રોકાણ કરવા અને અન્ય નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પહેલ ભારતમાં પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ માટે પુરવઠા અને માંગ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરશે જે સસ્તી અને સુલભ ઊર્જા પ્રદાન કરવામાં મદદ કરશે. નયારા એનર્જી લાંબા ગાળે પેટ્રોકેમિકલ, ઇથેનોલ પ્લાન્ટ, માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ અને ઇએસજી પ્રોજેક્ટ્સ સહિત રિફાઇનરી વિશ્વસનીયતા માટે રૂ. 70,000 કરોડથી વધુનું રોકાણ કરવાનું ચાલુ રાખશે.
અમે સમુદાય વિકાસ માટે પણ એટલા જ પ્રતિબદ્ધ છીએ અને અમે જે સમુદાયોમાં સેવાઓ આપીએ છીએ તેમની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સમર્પિત રૂ. 200 કરોડનું વાર્ષિક સીએસઆર બજેટ ધરાવીએ છીએ. અમારી સીએસઆર પહેલ સમાવેશક વિકાસને ટેકો આપવા માટે વ્યૂહાત્મક રીતે તૈયાર કરાયેલી છે અને તેણે સમગ્ર ભારતમાં અમારી રિફાઇનરી, ડેપો અને રિટેલ નેટવર્ક સાથે જોડાયેલા આસપાસના સમુદાયો પર સકારાત્મક અસર કરી છે.
ભારતમાં એક મુખ્ય કરદાતા તરીકે નયારા એનર્જીએ ઓગસ્ટ 2017થી ભારતની વિકાસગાથાના નિર્માણમાં મદદ કરવા માટે કુલ મળીને પ્રત્યક્ષ અને પરોક્ષ કરરૂપે રૂ. 2.5 લાખ કરોડથી વધુનું યોગદાન આપ્યું છે. એક જવાબદાર કોર્પોરેટ એકમ તરીકે અમે બધા લાગુ કાયદાઓ અને નિયમનકારી માળખાના પાલનના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખીએ છીએ. પારદર્શકતા, કાનૂની જવાબદારી અને હિસ્સેદારોનું રચનાત્મક જોડાણ અમારી કામગીરીના પાયામાં છે.
તમામ સ્થાનિક કામગીરીઓ સહિત અમારા વ્યવસાયના દરેક પાસાં સામાન્ય મુજબ જ ચાલુ છે. અમે તમામ વ્યવસાયિક ક્ષેત્રોમાં સરળ સાતત્ય અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે વ્યાપક પગલાં લીધાં છે. અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમારા દૈનિક કાર્યોમાં અથવા અમારા લાંબા ગાળાના વ્યૂહાત્મક ઉદ્દેશ્યોમાં કોઈ વિક્ષેપ ન આવે. વધુમાં, અમે દ્રઢપણે માનીએ છીએ કે નયારા એનર્જીના હિતોને કોઈ અસર થશે નહીં, અને અમે અમારા હિસ્સેદારોને મૂલ્ય પૂરું પાડવા માટેના અમારા સમર્પણમાં અડગ રહીએ છીએ.
ભારતીય કંપની નયારા ભારતમાં છે અને ભારત માટે છે. તે દેશની વધતી જતી ઊર્જાની માંગને પૂર્ણ કરવા માટે ખૂબ જ પ્રેરિત અને પ્રતિબદ્ધ છે. અમે ભારતની ઊર્જા જરૂરિયાતો માટે એક મજબૂત ભાગીદાર બનવામાં માનીએ છીએ અને દેશની વપરાશની માંગને પૂર્ણ કરવાનું ચાલુ રાખીશું. નયારા એનર્જી અવિરત ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા અને રાષ્ટ્રના વિકાસ તથા સમૃદ્ધિમાં યોગદાન આપવા માટે સમર્પિત રહે છે