મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આણંદ જિલ્લાના નાવલી દહેમી રોડ પર રૂપિયા ૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા એન.સી.સી લીડરશીપ એકેડમીના આધુનિક ભવનનું લોકાર્પણ કર્યું હતુ. મુખ્યમંત્રીશ્રીએ નવનિર્માણ પામેલ આ ભવનનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કર્યું હતુ. તેમણે રાજય સરકારના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ આ આધુનિક ભવનની મુલાકાત લઈ ભવનમાં ઉપલબ્ધ સુવિધાઓની માહિતગાર થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ એન.સી.સી લીડરશીપ એકેડમીના ભવનના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતુ. આ તકે એન.સી.સી. કેડેટ્સ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ. ગુજરાત સરકારના વિઝનરી માર્ગદર્શન અને સહયોગ દ્વારા નિર્મિત આ એકેડમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બની રહેશે. જે એકેડમી યુવા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ એકેડમીનું નિર્માણ ગુજરાત સરકારની યુવા વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ગુજરાતમાં NCC તાલીમને નવી ઉંચાઇએ લઇ જવા માટે આ એકેડમી મહત્પૂર્ણ બની રહેશે જે યુવાનોમાં નેતૃત્વ, દેશભક્તિ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને ઉજાગર કરશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે 1-1 એકેડમી કાર્યરત છે. હવે રાજ્યમાં ત્રીજી NCC લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે, જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે. જે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ સાંભળે તેવા નાગરિકો તૈયાર કરશે. આ એકેડમીમાં તા. ૨૮ જુલાઈથી ‘યુવા આપદા તાલીમ કેમ્પ’ અને ‘કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ’ (CATC) શરૂ થશે. ત્યારબાદ સમયાંતરે NCC કેમ્પ્સનું કેમ્પસમાં આયોજન કરવામાં આવશે. નાવલી ખાતેના એન.સી.સી. લીડરશીપ એકેડમીના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ગુજરાતના એડીજી આર. એસ. ગોડારા, વલ્લભ વિદ્યાનગર ગ્રુપ કમાન્ડર પરમેન્દર અરોરા, 4-બટાલિયન એન.સી.સી.ના સી.ઈ.ઓ. કર્નલ મનિષ ભોલા સહિત એન.સી.સી.ના અધિકારીઓ તથા એન.સી.સી. કેડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા ૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નાવલી ખાતેના એન.સી.સી. લીડરશીપ એકેડમી ભવનનું લોકાર્પણ
