કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત આણંદ હસ્તકની પ્રાથમિક શાળાઓનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે, આ પ્રાથમિક શાળાઓ ખાતે અભ્યાસ કરતા નાના ભૂલકાઓ માટે જ્યાં ખૂટતા હશે ત્યાં આંગણવાડી અને બાલવાટિકાના નવા વર્ગખંડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે પ્રાથમિક તબક્કે રૂપિયા ૦૪ કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યુ છે. આણંદના સાંગોળપુરા સ્થિત માનવ રશ્મિ, નગર પ્રાથમિક શાળા નંબર ૧૦ ખાતે બાલ વાટિકા વર્ગખંડનું ખાતમુહૂર્ત સાંસદ મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંસદ મિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ સારી માળખાગત સગવડો ઉપલબ્ધ થાય તે હેતુસર મનપા દ્વારા બાલવાટિકા વર્ગખંડો નવા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે ભૂલકાઓને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ પ્રદાન કરવાના આશયથી મનપા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓ ખાતે બાલવાટિકાના નવા વર્ગખંડો બનાવવામાં આવનાર છે, જે સરાહનીય છે, તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મનપાના નાયબ કમિશનર નિલાક્ષ મકવાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ઇન્દ્રજીતભાઈ પટેલ, શાસનાધિકારી તેજેન્દ્ર સિંહ સોલંકી, જિલ્લા પંચાયતના જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી, શિક્ષક ગણ, વાલીઓ, પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા સાંગોળપુરા સ્થિત નગર પ્રાથમિક શાળા નંબર ૧૦ ખાતે બાલ વાટિકા વર્ગખંડનું ખાતમુહૂર્ત કરાયું
